જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી અને નેવી વિંગના 594 કેડેટ્સ માંડવી (કચ્છ) ખાતે ચાલી રહેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ શિબિરમાં કેડેટ્સ રોમાંચક પેરાસેઈલિંગ તાલીમ લઈ રહ્યા છે.
પ્રમાણિત તાલીમકારની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્સને પેરાસેઈલિંગના મૂળભૂત સિદ્ધાંતો શીખવવામાં આવી રહ્યા છે. આ તાલીમમાં સલામતીના પગલાં, સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવ કેડેટ્સને ડરને દૂર કરવા અને તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા પ્રેરિત કરે છે.

એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન યુવા કેડેટ્સમાં નેતૃત્વશક્તિ અને ટીમવર્કના ગુણો વિકસાવવા માટે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવા અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા પણ આ તાલીમ મહત્વપૂર્ણ છે. દરિયાકિનારાથી ઉપર ઉડાન ભરતા કેડેટ્સનો આત્મવિશ્વાસ વધે છે.

36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી, પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે.”

આ કેમ્પમાં યુદ્ધ તથા કટોકટીના સમયે માહિતીનું આદાનપ્રદાન, ડ્રોન સ્પોટિંગ અને ફ્લાઇંગ, નાગરિક સંરક્ષણ અને પ્રાથમિક સારવાર જેવા વિષયો અંગે પણ કેડેટ્સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે.

