ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે, આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કોઈ મોટા હવામાનિક ફેરફારની શક્યતા નથી અને રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે.
તો બીજી તરફ, કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, 21થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે. આ વચ્ચે, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

