Gujarat

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર મોડી રાત્રે ફતેપુરા બ્રિજ પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, બે ટ્રકો વચ્ચે થયેલી જાેરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જાેતજાેતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માત અંગે મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, ફતેપુરા બ્રિજ પર બે ટ્રકો સામસામે અથડાઈ હતી. એક ટ્રકમાં કોટન કપડાંનો જથ્થો ભરેલો હતો, જ્યારે બીજી ટ્રકમાં જ્વલનશીલ લિક્વિડ પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. લિક્વિડ અને કોટનના કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બંને ટ્રક ચાલકોને બચાવ કામગીરીની તક મળે તે પહેલા જ આખેઆખી ટ્રકો આગની લપેટમાં આવી ગઈ હતી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મોડી રાત્રે લાગેલી આ આગને ઓલવવા માટે ફાયર ફાયટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કોટન અને લિક્વિડના કારણે આગ વારંવાર ભભકી ઉઠતી હતી, જેના પર કાબુ મેળવવા કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હજુ પણ સાવચેતીના ભાગરૂપે કૂલિંગ પ્રક્રિયા અને આગને સંપૂર્ણપણે ઓલવવાની કામગીરી ચાલુ છે.

વટામણ-તારાપુર હાઈવે પર ફતેપુરા બ્રિજ પર જ આ અકસ્માત સર્જાયો હોવાથી અને આગ વિકરાળ હોવાથી વટામણ-તારાપુર હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવાની અને વાહનોને સુરક્ષિત અંતરે રાખવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક આગમાં જાનહાનિના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માલસામાનનું ભારે નુકસાન થયું છે.