સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આર્ત્મનિભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ આધુનિક પ્લાન્ટ્સ અને ઉત્પાદન એકમોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બનાસ ડેરીના અદ્યતન ચીઝ પ્લાન્ટ, પનીર પ્લાન્ટ, દૂધ પ્રક્રિયા એકમો તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના યુનિટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ડેરીના અધિકારીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પશુપાલકોને મળતા આર્થિક લાભ અંગે રાજ્યપાલશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરી દ્વારા સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બનાસ ડેરી પશુપાલકોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આર્ત્મનિભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાના આર્થિક વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. ડેરીના સતત વિકાસથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને રોજગાર અને સ્થિર આવક મળી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારની સમૃદ્ધિમાં વધારો થયો છે.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરી આધુનિક ટેક્નોલોજી, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સહકારી ભાવનાના સુમેળથી ગુજરાતના ડેરી ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. બનાસ ડેરીના કાર્યોથી રાજ્યના લાખો પશુપાલકોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ મળી રહ્યો છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બાદરપુરા સ્થિત ફૂડ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરી હસ્તકના બાદરપુરા ફૂડ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈને વિવિધ યુનિટનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઓઇલ મિલ પ્લાન્ટ તથા અનાજ દળવાના યુનિટનું નિરીક્ષણ કરી ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ અને રોજગારી સર્જન અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ પશુઓમાં અચાનક ફેલાતી બીમારીઓના નિવારણ માટે દેશી પદ્ધતિથી તૈયાર કરવામાં આવતી આયુર્વેદીક દવાઓ બનાવતા યુનિટની મુલાકાત લઈ પશુ આરોગ્ય સુરક્ષા માટે ચાલતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે નાના બાળકોના પોષણ અને આરોગ્ય માટે આંગણવાડી કેન્દ્રોમાં વિતરણ કરવામાં આવતા પોષણયુક્ત નાસ્તા (્ૐઇ) યુનિટમાં તૈયાર થતી સામગ્રીની પ્રક્રિયા નિહાળી હતી.
આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ હની ફેસિલિટી સેન્ટર ખાતે વિવિધ પ્રકારના મધ, તેનું પ્રોસેસિંગ તથા લેબોરેટરી પરીક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી અને કુદરતી મધ ઉત્પાદન દ્વારા ગ્રામિણ આવક વધારવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે પોટેટો ટીશ્યુ ટીશ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન, ખેતી ખર્ચ ઘટાડો અને ખેડૂતોની આવક વધારવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ સંબંધિત અધિકારીઓ અને તજજ્ઞો સાથે વિચારવિમર્શ કરી હાલની સેવાઓને વધુ સશક્ત બનાવવા તેમજ ભવિષ્યના નવા પ્રોજેક્ટસને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

