સુરત જિલ્લાના અરેઠ સ્થિત તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. આ ઘટના ટેસ્ટિંગ દરમિયાન બની હતી, જેમાં ત્રણ મજૂરો ઘાયલ થયા હતા. 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટેસ્ટિંગ માટે 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. ટાંકીનો એક ભાગ જમીન તરફથી ધ્વસ્ત થયો હતો. ઘાયલ થયેલા ત્રણેય મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આટલી મોટી ઘટના છતાં, સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. આ ટાંકી અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેના નિર્માણ બાદ તરત જ ધરાશાયી થતાં તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે.

