ગાય માતા છે અને એમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવું સનાતન સમાજ સદીઓથી કહે છે અને ગાયના મુદ્દે વખતોવખત વાદ-વિવાદ પણ થાય છે. એક સમયે ઘર-ઘર ગાયપાલન થતું પણ હવે શહેરોમાં એટલો ખર્ચ અને સમય આપી ન સકતા ગાયની જવાબદારી ગામડાઓએ ઉઠાવી છે અને એકદમ ગંભીરતાથી ઉઠાવી છે એની વાત આજે આપને શબ્દોના સથવારે કરવી છે.
કચ્છના શુધ્ધ કાંકરેજ ગોવંશની લે-વેંચ માટે સોશ્યલ માધ્યમનો સદુપયોગ RSS પ્રેરિત ગૌસેવા ગતિવિધિ- કચ્છ વિભાગ દ્વારા 2019થી ‘કચ્છ કાંકરેજ ગોબ્યુરો’ના નામે સંચાલિત અને 3500થી વધુ સભ્યો સાથેના આ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે. આ માધ્યમે અત્યાર સુધી થઈ ચુકી છે હજારો ગૌવંશની લે વેંચ. રસ્તે રઝડતો મુકી દેવાતો ગૌવંશ અને અમુક માલધારીઓ પણ પોતાના ધણમાં એકથી વધુ પ્રજાતી રાખતા હોય ત્યારે કચ્છનો અસલ કાંકરેજ ગોવંશ જ્યારે જર્સી, શંકર અને એચ.એફ જાતના પશુઓ સાથે સંસર્ગમાં આવે છે.
તેનાંથી ક્રોસ બ્રિડિંગ થવા જેવાં કારણોથી વર્ણશંકર અને વિકૃત પ્રજાતી ઉત્પન્ન થઈ રહી છે. આવા સમયે કોઇ ગોપ્રેમીને શુધ્ધ દેશી ગૌવંશની ખરીદી કરવી હોય ત્યારે છેતરાઇ જવાનો મોટો ડર રહેતો હોય છે અને સામાન્ય ફેરફાર વચ્ચે ખાત્રી કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે. આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગો સેવા ગતિવિધિ-કચ્છ વિભાગ દ્વારા 3500થી વધુ ગોપાલક માલધારીઓ અને પોતાનાં ઘરે કે વાડીએ ગાયને રાખતા ગોપ્રેમી લોકોને જોડીને ‘કચ્છ કાંકરેજ ગૌ બ્યુરો’ના નામે વ્હોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યાં છે.
જેમાં ગૌવંશ ખરીદનાર અને વેચાણ કરવા ઇચ્છનાર કોઇ પણ વ્યકિત પોતાના નામ, સરનામાં અને મો. નંબર સાથે ગૌવંશની કિંમત, દુધની માત્રા, ઉંમર, વેતર અને દેખાવ જાણવા એક ફોટા સાથેનો મેસેજ મોકલી શકે છે.

