પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું બચ્ચું અકસ્માતે ખાબક્યું હતું. કુવામાંથી વન્યજીવનો અવાજ આવતા વાડી માલિકે તપાસ કરી હતી, જેમાં દીપડાનું બચ્ચું હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ વન વિભાગ (ડિવિઝન) ની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુવો ઊંડો હોવા છતાં, વન વિભાગના કર્મચારીઓએ કુશળતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાના બચ્ચાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ સફળ રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ પણ રાહત અનુભવી હતી. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં વન્યપ્રાણી જોવા મળે અથવા મુશ્કેલીમાં હોય, તો ગભરાવાને બદલે અથવા સ્વયં રેસ્ક્યુ કરવાને બદલે તુરંત વન વિભાગનો સંપર્ક કરવો. વન્યપ્રાણીના રેસ્ક્યુ સંબંધિત પૂછપરછ કે જાણકારી માટે વન વિભાગના નંબર ૦૨૮૬-૨૨૫૨૪૧૩ અથવા ટોલ ફ્રી નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

