લીંબડી રા.રા. જનરલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓની સુવિધા માટે નવી ડિજિટલ કેસ નોંધણી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સમય બચાવવાનો અને હોસ્પિટલમાં લાંબી કતારો ટાળવાનો છે.
લીંબડી આર.આર. હોસ્પિટલના સિવિલ સર્જન કરણસિંહ વાળાએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ સુવિધાનો લાભ લેવા માટે સૌપ્રથમ મોબાઇલમાં ‘Arogya One App’ ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા બાદ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ અથવા આભા કાર્ડ દ્વારા સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકાય છે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી, સરકારી દવાખાનાની કેસ બારીની બહાર લગાવવામાં આવેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે.
QR કોડ સ્કેન કર્યા બાદ, નોંધાયેલ મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ OTP એપમાં દાખલ કરતા જ દર્દીનું નામ નોંધાઈ જશે અને એક ટોકન નંબર જનરેટ થશે. આ ટોકન નંબર કેસ બારીએ બતાવવાથી તરત જ જરૂરી કેસ મળી જશે. સિવિલ સર્જનના મતે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ, ઝડપી અને પારદર્શક છે. આ નવી વ્યવસ્થાથી હોસ્પિટલમાં ભીડ ઘટાડવામાં મદદ મળશે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ અને મહિલાઓને આનાથી ઘણી રાહત મળશે. સમયની બચત સાથે, આ પહેલ ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવાનો પણ મુખ્ય હેતુ ધરાવે છે.

