Gujarat

જામનગરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયરે અન્યને બચાવ્યા

જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી ‘પેટ પેલેસ’ નામની પેટ શોપમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં એક ડોગ અને ચાર પક્ષીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા હતા.

દુકાનના માલિક હરેશ ગોસ્વામી દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ આ આગ લાગી હતી. તેમને જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જામનગર ફાયર શાખાની ટુકડી, જેમાં ફાયર સ્ટેશન ઓફિસર કામિલ મહેતા અને રાકેશ ગોકાણી સહિતના જવાનોનો સમાવેશ થતો હતો, તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આગ બુઝાવ્યા બાદ દુકાનની અંદર તપાસ કરતા, ધુમાડા અને ગૂંગળામણના કારણે બજરીગર અને લવબર્ડ પ્રજાતિના ચાર પક્ષીઓ તેમજ એક ડોગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ફાયર ટીમે પિંજરામાં રહેલા અન્ય સાત ડોગ અને ૧૨ પક્ષીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

બચાવવામાં આવેલા પશુ-પક્ષીઓને અન્ય જગ્યાએ ખસેડી પશુચિકિત્સકો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.