જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ઝડપાયો છે. આ આરોપી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 2,39,900 ના કેસમાં પોલીસને થાપ આપી ફરાર હતો.
ફરાર આરોપીને નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાંથી દબોચ્યો જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રમેશભાઇ માલમ અને જીતેન્દ્રસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે આરોપી સમદ શેખ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એસપીની મંજૂરી મેળવી એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી.
આરોપીને માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપાયો એસ.ઓ.જી.ની ટીમે નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં પ્લોટ નં. 105, સેક્ટર 21 ખાતે દરોડો પાડી આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખને હસ્તગત કર્યો હતો. પોલીસ તેને જૂનાગઢ લઈ આવી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

