ગાંધીનગરમાં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સેક્ટર-૭ માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને હ્લ.રૂ. મ્.છ.માં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય શિવાની આહીરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો અનુસાર, પાટણના રાધનપુરની વતની શિવાની ભોજાભાઈ આહીર ૨૧ જાન્યુઆરીની સાંજે કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી અચાનક ગુમ થઈ હતી. હોસ્ટેલમાં તેની ભાળ ન મળતા કોલેજ પ્રશાસન અને સિક્યુરિટી દ્વારા કેમ્પસમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની લાપતા થતા કોલેજ અને હોસ્ટેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
દીકરીના ગુમ થવાના સમાચાર સાંભળી પરિવાર પણ ગાંધીનગર દોડી આવ્યો હતો. સેક્ટર-૭ પોલીસને જાણ કરાતા પોલીસે પણ રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરી હતી. અંતે વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજના જ એક ક્લાસરૂમમાંથી મળી આવતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. કોલેજ કેમ્પસમાં જ બનેલી આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોક અને ફફડાટ જાેવા મળી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાધનપુરના સાનિયાતર ગામના વતની એવા આહીર પરિવાર પર દીકરીના મોતથી આભ તૂટી પડ્યું હતું. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દીકરીને ગાંધીનગર ભણવા મોકલી હતી, પરંતુ તેના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, યુવતીની આજથી પરીક્ષા શરૂ થવાની હતી, જેના ટેન્શનમાં પણ હતી. ગઈકાલે તે ગુમ થઈ ગઈ હતી. જે બાદ તેના જ કલાસરૂમમાં દુપટ્ટો વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલમાં વિદ્યાર્થિનીના મોત પાછળનું કારણ જાણવા સહિતની તપાસ ચાલુ છે.

