Gujarat

સુરતના ચોરેલા મોબાઈલ છેક સાઉથ આફ્રિકામાં વેચાતા

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેની કડીઓ છેક સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે. સુરતના માર્ગો પરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલીને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું.

પોલીસે બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી અત્યંત વ્યવસ્થિત રીતે સ્થાનિક કક્ષાએથી મોબાઈલ મેળવીને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચના ઓપરેશનમાં બે રીઢા ગુનેગારોની ધરપકડ શહેરના ગાંધીબાગ પાછળ ડક્કા ઓવરા ફ્લડ ગેટ પાસેથી ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવીને સાહિદ અરાફત ઉર્ફે અલ્ફાજ અને જુલકરનેન ગફાર સૈયદ નામના બે શખસને ઝડપી પાડ્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વીવો અને ઓપો કંપનીના કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિદ અરાફત અગાઉ પાંચ વખત મોબાઈલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ ‘પાસા’ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે, જે તેની ગુનાહિત માનસિકતા સ્પષ્ટપણે દર્શાવે છે.