ગુજરાતમાં ગૌવંશ પ્રત્યેની આસ્થા અને કાયદાકીય કડકાઈ હોવા છતાં ગૌમાંસની હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. હળવદના GIDC વિસ્તારમાં આવેલ એક મીઠાના કારખાનામાં જાહેરમાં ગૌમાંસ રાંધવામાં આવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જીવદયા પ્રેમીઓની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 3 મહિલાઓ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.
હળવદ GIDCમાં આવેલા ‘રોશની કેમ’ (રોશની કેર) નામના મીઠાના કારખાનાની અગાસી પર અને મજૂર ક્વાર્ટરમાં ગૌમાંસ રાંધવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી જીવદયા પ્રેમીઓને મળી હતી. આ બાતમીને આધારે હળવદ પોલીસને સાથે રાખીને ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચતા જ અગાસી અને ક્વાર્ટરમાં રાંધવામાં આવતું માંસ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સમીર સારડા અને પીઆઇ આર.ટી. વ્યાસ કાફલા સાથે દોડી આવ્યા હતા. સ્થળ પર જ વેટરનરી ડોક્ટરને બોલાવી માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ આ અવશેષો ગૌવંશના હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તમામ શંકાસ્પદોની અટકાયત કરી હતી.

