Gujarat

હાઈકોર્ટે આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી – 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં બારડોલી સેશન્સ કોર્ટે સજા ફટાકરી હતી

બારડોલી સેશન્સ કોર્ટે વર્ષ 2017માં 45 વર્ષીય આરોપી કેદાર રાઠોડને 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટે આરોપીની અપીલ નકારી નાખતા, સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

આરોપીએ વર્ષ 2012માં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું કેસને વિગતે જોતા ઘટના વર્ષ 2012માં સુરત જિલ્લાના પારડી ગામની છે. જ્યાં ફરિયાદીની ચાર વર્ષની દીકરીને જે બાળ મંદિર બહાર રમતી હતી તેને વેફર અપાવવાની લાલચ આપીને આરોપી લઈ ગયો હતો. વેફર અપાવીને તે એકાંતમાં તેને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરીને મોડી રાત્રે ગરનાળા પાસે મૂકીને ભાગી ગયો હતો.

આ કેસમાં કોર્ટે 14 સાહેદ અને 21 પુરાવા તપાસ્યા બારડોલી સેશન્સ કોર્ટે આ કેસમાં 14 સાહેદ અને 21 પુરાવા તપાસ્યા હતા. ગામના કેટલાક લોકો ટ્રેક્ટર લઈને નીકળતા બાળકી એકલી મળી આવી હતી. તેના ઘરના લોકો તેને શોધતા હતા, બાળકીને લોકોએ તેના ઘરે સોંપી હતી. આરોપી સાથે છેલ્લે બાળકીને જોઈ હોવાનું બાળકીના પિતાને ગામના એક વ્યક્તિએ જણાવ્યું હતું.

મહિલા સરપંચે પોલીસ ફરિયાદ દાખલ કરવા સલાહ આપી બાળકીના પેશાબની જગ્યાથી લોહી નીકળતું જોઈને ઘરના લોકો દ્વારા તેને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. સરપંચને પણ તેની જાણ કરાઈ હતી. મહિલા સરપંચે બાળકીના પિતાને પોલીસ ફરિયાદ દાખલ કરવા સલાહ આપી હતી. પ્રાથમિક સારવાર બાદ આરોગ્ય કેન્દ્રમાંથી બાળકીને સુરત સિવિલ ખાતે રીફર કરવામા આવી હતી. જ્યાં તેને આઠેક દિવસ એડમિટ રાખવામાં આવી હતી.