રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના 73 વર્ષના એક વૃદ્ધ દર્દીના પગમાં રહેલા હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ તેમનો પગ બચાવી લીધો છે.
એઇમ્સ રાજકોટમાં આ પ્રકારની પ્રથમ ‘મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ’ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સામાન્ય રીતે આવી અત્યાધુનિક સર્જરી દેશના ગણ્યાગાંઠ્યા અને પસંદગીના કેન્સર કેન્દ્રોમાં જ ઉપલબ્ધ હોય છે, જે હવે રાજકોટ એઇમ્સમાં પણ શક્ય બની છે.
‘પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા’ નામનું અત્યંત દુર્લભ કેન્સર હતું પ્રાપ્ત વિગત મુજબ જામનગરના 73 વર્ષીય દર્દી લાંબા સમયથી ઘૂંટણમાં અસહ્ય દુખાવો અને પગ પર વજન નહીં મૂકી શકવાની તકલીફથી પીડાતા હતા. આ ગંભીર ફરિયાદ સાથે તેઓ એઇમ્સની ઓ.પી.ડી. (OPD) માં તપાસ માટે આવ્યા હતા. ઓ.પી.ડી.માં વિવિધ રિપોર્ટ્સ અને નિદાન દરમિયાન માલુમ પડ્યું કે તેમના પગના હાડકાના ઉપરના ભાગમાં (પ્રોક્સિમલ ટિબિયા) ‘પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા’ નામનું અત્યંત દુર્લભ કેન્સર હતું. આ કેન્સરના કારણે હાડકામાં ‘પેથોલોજિકલ ફ્રેક્ચર’ પણ થયું હતું.

અત્યાધુનિક ‘લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ’ સર્જરી દર્દીની સ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ તબક્કાવાર સારવારનું આયોજન કર્યું હતું. અને નિદાન બાદ સૌ પ્રથમ સારવારના ભાગરૂપે દર્દીને કીમોથેરાપી આપવામાં આવી હતી. કીમોથેરાપીનો કોર્સ પૂર્ણ થયા બાદ ગત 16 જાન્યુઆરીનાં રોજ 10 નિષ્ણાંત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા અત્યાધુનિક ‘લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ’ સર્જરી હાથ ધરવામાં આવી હતી.

કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરાયો આ જટિલ ઓપરેશનમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન રવિ કુમાર અને અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન નૂપુર અગ્રવાલ તેમજ એનેસ્થેટિસ્ટ સુમિત બંસલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. સર્જરી દરમિયાન કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ખાસ તૈયાર કરવામાં આવેલ ‘મેગા પ્રોસ્ટેસિસ’ (કૃત્રિમ સાંધો/હાડકું) બેસાડવામાં આવ્યો હતો.

