Gujarat

અમદાવાદમાં ઠંડા પવનોના સુસવાટા સાથે પારો 5.3 ડિગ્રી ગગડ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 3થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતાં એ સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે.

જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે, એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે આબુમાં -7 ડિગ્રી તાપમાન વચ્ચે બરફની ચાદર છવાઈ છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તરથી આવતી ઠંડી હવા અને પવનની ગતિને કારણે આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતા છે. વહેલી સવાર અને મોડીરાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે.