Gujarat

વ્હેલ માછલીની 1 કરોડની ઉલ્ટી વેચે એ પહેલા પાલીતાણાનો શખ્સ પકડાયો

રૂપિયા 1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવેલા પાલીતાણાના શખ્સને એસઓજીએ વિજાપુરના પાટીયા પાસેથી પકડી લઈ રૂપિયા 1,02,50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શનિવારે વહેલી સવારે એસઓજીના પીઆઈ આર કે પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી

ત્યારે જૂનાગઢ ખડીયા રોડ ઉપર પાદરીયા ગામના રેલ્વેના પાટા પાસે શિવ મંદિર સામે પહોંચતા ખાનગી રીતે બાતમી મળી હતી કે ’એક શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી જેવો મૂલ્યવાન પદાર્થનો જથ્થો પોતાની પાસે રાખી ચોરી છુપીથી શંકાસ્પદ રીતે વેચાણ કરવા વિજાપુરના પાટિયા પાસે એક સફેદ કલરની થેલી લઈ ઉભેલ છે’ માહિતી આધારે વિજાપુર બસ સ્ટેન્ડ પર જઇ તપાસ કરતા ભાવનગર જિલ્લાના પાલીતાણાના બહારપરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય પંકજ નાથાલાલ કુબાવતને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલ થેલીમાંથી પ્લાસ્ટિકના ઝભલામાં રૂપિયા 1,02,50,000ની કિંમતની 1.025 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) મળી આવી હતી.

આખી પોલીસે વ્હેલ માછલીની ઉલટી તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,02,60,000નો મુદામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ કિંમતી પદાર્થ વેચવા માટે ગ્રાહકની શોધમાં જૂનાગઢ આવ્યો હતો. એસઓજીએ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.