Gujarat

જામનગરનો શેરબ્રોકર સાયબર ફ્રોડ સાથે સંડોવાયો, ટેલિગ્રામ ટાસ્ક અને ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાવી સુરતી યુવક પાસેથી 12 લાખ પડાવ્યા

ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો.

ટુકડે-ટુકડે 12 લાખ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા આ ઠગબાજોની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેજાબાજ હતી. આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા.

ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ‘ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક’ પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 12,20,366.80 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

શેરબ્રોકર જ સાયબર અપરાધીઓનો સાથીદાર બન્યો ઝડપાયેલા આરોપીનું નામ તેજસ મહેન્દ્રભાઇ સંઘવી (ઉ.વ. 40) છે, જે જામનગરનો રહેવાસી છે. નવાઈની વાત એ છે કે, આરોપી બી.કોમ સુધી શિક્ષિત છે અને વ્યવસાયે શેર બ્રોકર છે. શેરબજારની સમજ ધરાવતો આ શખ્સ પોતે જ સાયબર અપરાધીઓનો સાથીદાર બની ગયો હતો. તેણે પોતાના નામે રહેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવા દીધો હતો.