Gujarat

૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે

આદ્યશક્તિના ધામ અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

– પાલખી, ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થા

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૩૦.૦૧.૨૦૨૬ થી તા. ૦૧.૦૨.૨૦૨૬ (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬‘ નું આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ ૨૦૦૮માં ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૧૪માં થયું હતું. અંદાજે રૂ. ૬૧.૫૭ કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને આરાસુરી ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ મહોત્સવમાં ભાગ લેવા માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાેડાશે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે અંબિકા ભોજનાલય, ય્સ્ડ્ઢઝ્ર, માંગલ્યવન, ઇ્ર્ં સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

પરિક્રમા મહોત્સવ દરમિયાન પરિક્રમા પથ, શક્તિપીઠ સંકુલ તથા મુખ્ય મંદિર પરિસરને આકર્ષક અને દિવ્ય માહોલ સર્જે તે રીતે વિશેષ રંગીન લાઈટિંગ, ડેકોરેશન અને ઇલ્યુમિનેશનથી શણગારવામાં આવશે. રાત્રિના સમયે સમગ્ર પરિક્રમા માર્ગ ઝગમગાટથી ઝળહળી ઊઠશે, જે શ્રદ્ધાળુઓ માટે અનોખો આધ્યાત્મિક અનુભવ આપશે. આ સાથે મહોત્સવને લોક સંસ્કૃતિનો રંગ આપવા માટે પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારાં, લોક વાદ્યો અને લોક કલાકારોના કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને ભક્તિ ભાવનું સુંદર સંમિશ્રણ દર્શાવવામાં આવશે. આ ભવ્ય આયોજનથી અંબાજીમાં ભક્તિ, આસ્થા અને લોક સંસ્કૃતિનો અનન્ય ત્રિવેણી સંગમ સર્જાશે.

ત્રણ દિવસીય કાર્યક્રમોની રૂપરેખા:-

૩૦ જાન્યુઆરી ૨૦૨૬

સવારે ૯.૩૦ કલાકે પાલખી યાત્રા, ધજા યાત્રા અને સાધુ-સંતોના આશીર્વચન સાથે મહોત્સવનો શુભારંભ થશે. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનો, ભજન સત્સંગ અને આનંદ ગરબાનું આયોજન કરાશે.

૩૧ જાન્યુઆરી ૨૦૨૬

ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા સાથે દિવસનો પ્રારંભ થશે. આ દિવસે વિશેષ રૂપે શક્તિપીઠ સંકુલોમાં ‘શક્તિ યાગ‘ (યજ્ઞ) અને દર્શન પરિક્રમા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬

જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રાના આયોજન સાથે ભક્તિમય માહોલમાં મહોત્સવનું સમાપન થશે.