સંખેડા તાલુકાના ઇન્દ્રાલ–પડવાણ રોડ ઉપર આવેલ હેરણ સિંચાઇ યોજનાના સાઈફનમાંથી છેલ્લા કેટલાક સમયથી પાણી લીક થવાની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. સાઈફનમાંથી સતત પાણી લીક થઈ વહી રહ્યું હોવાથી કિંમતી સિંચાઈનું પાણી વેડફાઈ રહ્યું છે, જે બાબત સ્થાનિકોમાં ચિંતા જગાવી રહી છે. લીક થયેલ પાણી ઇન્દ્રાલ–પડવાણ રોડ પરથી હેરણ પુલ તરફ જતા બાયપાસ રોડ ઉપર વહેતાં કીચડમાં ફેરવાઈ ગયું છે. પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંખેડા તાલુકાના ઇન્દ્રાલ-પડવાણ રોડ ઉપર હેરણ સિંચાઈ યોજનાની કેનાલ આવેલી છે. આ કેનાલ થોડા વર્ષ અગાઉ જ નવી બની હતી. અહીંયા રસ્તાના કારણે સાઈફન આપેલા છે. આ સાઈફનમાંથી પાણી સતત લીક થઈ રહ્યું છે. હેરણ સિંચાઈ યોજનાનું પાણી લીક થઈને વેડફાતું રહેવું સિસ્ટમની બેદરકારી તરફ ઈશારો કરે છે. ભૂતકાળમાં આ બાબતે અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

