જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનાર વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 14 દિવસ જેટલો ટૂંકો સમય બાકી રહ્યો છે. સરકાર દ્વારા આ મેળાને ‘મીની કુંભ’ તરીકે ભવ્ય રીતે ઉજવવાની મોટી જાહેરાતો કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જોકે, જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, માત્ર અધિકારીઓની મિટિંગો અને સોશિયલ મીડિયામાં ફોટા પાડવા સિવાય ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી દેખાઈ રહી નથી.
અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો મૂંઝવણમાંઃ લલિપ પરસાણા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે, થોડા સમય પહેલા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું વચન આપવામાં આવ્યું હતું કે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને મંડપ, લાઈટ અને શૌચાલય જેવી સુવિધાઓ તંત્ર દ્વારા મફત કરી આપવામાં આવશે. પરંતુ મેળાને આટલા ઓછા દિવસો બાકી હોવા છતાં હજુ સુધી તંત્રએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરિણામે, આયોજકો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને તંત્રના ભરોસે રહ્યા વગર પોતાની રીતે ખર્ચ કરીને તૈયારીઓ કરવા મજબૂર બન્યા છે.
મેળામાં ટ્રાફિક અને વાહન વ્યવહારના નિયમન અંગે પણ વિરોધ પક્ષે આકરા પ્રહારો કર્યા છે. લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, જો સામાન્ય જનતા માટે ભરડાવાવથી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય, તો આ નિયમ મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને પણ લાગુ પડવો જોઈએ. તેમણે પડકાર ફેંક્યો છે કે, અમે પોતે પણ ભરડાવાવથી ચાલીને જવા તૈયાર છીએ, તો કેબિનેટ મંત્રી કે મુખ્યમંત્રીએ પણ ચાલીને જ જવું જોઈએ. શ્રદ્ધાળુઓ સામાન સાથે આવતા હોય ત્યારે સિનિયર સિટીઝન અને બાળકો માટે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ પ્લાન નથી.

