Gujarat

સુરેન્દ્રનગરમાંથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલીશાન હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો ત્યારે જ SMC ત્રાટકી હતી. પોલીસે દોઢ કરોડના દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે.

SMC દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ કરાયેલા આ દરોડામાં રૂ. 1,50,48,800ની કિંમતની દારૂની 33,816 બોટલ મળી આવી હતી. આ દારૂ હરિયાણાના જુંડલ તેમજ જટવારમાં લિકર પ્રાઈવેટ લિમિટેડ તેમજ ઓએસિસ કોમર્શિયલ પ્રાં.લિમિટેડમાં બનાવવામાં આવ્યો હતો.

SMCની ટીમે દરોડો પાડી દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપ્યો આ દારૂ હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં ભરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો. જોકે, આ ટ્રક સુરેન્દ્રનગરના માલવણ ગામ નજીકની હોટલમાં પાર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં SMCની ટીમે દરોડો પાડી દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.

રૂ. 1.68 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 15,00,000ની કિંમતનો એક ટર્બો ટ્રક, રૂ. 5,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની કિંમતના કવરિંગ પ્લાયબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. 1,68,53,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.