સુરત ગ્રામ્ય એલસીબી (LCB) પોલીસે બારડોલી તાલુકાના માણેકપોર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે નંબર 53 પર નાકાબંધી દરમિયાન એક કન્ટેનરમાંથી આ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹51 લાખથી વધુ છે.
એલસીબી પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા લેલન કંપનીના કન્ટેનર નંબર RJ-19-GA-7599 ને રોકવામાં આવ્યું હતું. તેની તલાશી લેતા, કન્ટેનરમાંથી વિદેશી દારૂની કુલ 10,260 બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત ₹51,01,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹15 લાખની કિંમતનું કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે. આમ, પોલીસે કુલ ₹66,12,920 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે કન્ટેનર ચાલક ગેનારામ વિરમારામ જાટની ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો અન્ય શખ્સો દ્વારા ભરાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે દારૂ ભરી આપનાર અને તેના ધંધામાં સંડોવાયેલા પંકજ શર્માને વોન્ટેડ જાહેર કર્યો છે. અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

