પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 34 જિલ્લાઓની SP કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે.
જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે. જરુર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે. જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરશે. જેથી પોલીસ સ્ટેશનમાં થતી અરજી પર એકશન લેવામાં વિલંબ થતો હોવાની જે ફરિયાદો ઉઠતી હતી તેનું નિરાકરણ આવે તેવી શક્યતા છે.
અધિકારીને સોંપવામાં આવેલા જિલ્લાની મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે જે સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે તેને પોતાના જિલ્લામાં મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે. માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ મોકલી આપવાનો રહેશે.
જિલ્લા પોલીસની વિવિધ કચેરીની મુલાકાત કરવાની રહેશે સંબંધિત અધિકારીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી.

