કોલવડા સોનીપુર રોડ પર મિત્ર સાથે વોકિંગમાં નીકળેલા યુવાનનું બાઇકની ટક્કરે મોત
ગાંધીનગરના કોલવડા ગામના ચામુંડાપુરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રિના સમયે જમીને ચાલવા નીકળ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલા એક મોટરસાઈકલ ચાલકે તેમને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રણજીત પ્રજાપતિ નામના ૨૭ વર્ષીય યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેફામ વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ કોલવડા ગામનો ૨૭ વર્ષીય યુવક બન્યો છે.ગાંધીનગરના કોલવડાનો આનંદ અજમલજી ઠાકોર તેના મિત્ર રણજીત હરિભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રે આઠેક વાગે કોલવડાથી સોનીપુર રોડ પર ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઇક ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી બંને મિત્રોને પાછળથી અડફેટે લીધા હતા.
આ ટક્કર એટલી જાેરદાર હતી કે રણજીતભાઈ પર આખું બાઈક ચડી ગયું હતું. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા રણજીતને માથાના પાછળના ભાગે લોહી નીકળતું હોવાથી તે બેભાન થઈ ગયો હતો.જેના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ થકી બંને મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે ગંભીર ઇજાઓ થવાથી ફરજ પરના ડોક્ટરે રણજીતને મૃત જાહેર કર્યો હતો.આ અંગે આનંદ ઠાકોર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

