પરફેક્ટ પ્લાઝાના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા એક શખ્સનું એક્ટિવા ધોળા દિવસે ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં આવેલા પરફેક્ટ પ્લાઝા માર્કેટના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર એક્ટિવા ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોઢેરા રોડ વિસ્તારમાં રહેતા ભરત પટેલ ગત ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે પોતાના એક્ટિવા નંબર ય્ત્ન-૦૨-ઝ્રઈ-૯૩૯૯ પર સવાર થઈ નોકરીએ જવા નીકળ્યા હતા. સવારના દસેક વાગ્યે તેમણે પોતાનું વાહન મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં આવેલી ગલીમાં સ્થિત પરફેક્ટ પ્લાઝા માર્કેટના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને બેંકમાં નોકરીએ ગયા હતા.
સાંજે પાંચ વાગ્યે નોકરી પૂરી કરીને પરત ફરતા પાર્કિંગમાં તેમનું એક્ટિવા જણાઈ આવ્યું નહોતું.આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં વાહન ન મળી આવતા અંતે ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આશરે રૂ ૨૦,૦૦૦ની કિંમતના એક્ટિવાની ચોરી અંગે ભરતભાઈએ સૌપ્રથમ સિટીઝન પોર્ટલ પર ઈ-એફ.આઈ.આર. નોંધાવી હતી. ત્યારબાદ મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ ગયા હોવાથી પરત આવીને તેમણે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

