Gujarat

જામનગરમાં ટ્રેનની અડફેટે યુવાનનું મૃત્યુ – સ્પીડ ટ્રાયલ દરમિયાન અકસ્માત

જામનગરમાં રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેનની અડફેટે એક યુવાનનું મૃત્યુ થયું છે. આ ઘટના શહેરના ધરાનગર વિસ્તારમાં આવેલા સાત નાલા નજીક બની હતી.

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે એન્જિનની ટ્રાયલ ચાલી રહી હતી. ગઈકાલે સાંજે આ દરમિયાન યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક યુવાનની ઓળખ હુસેન નૂરમામદ પતાણી તરીકે થઈ છે, જે મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણા ગામનો વતની હતો અને હાલ જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતો હતો. ઘટના બાદ 108ની ટીમે સ્થળ પર પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો.

મૃતકની પત્ની હસીનાબેન હુસેનભાઇ પતાણીએ પોલીસને જાણ કરતા સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ. મકવાણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ ઘટનાના એક દિવસ પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક યુવાન રેલવે પાટા પાસે હરતો-ફરતો જોવા મળે છે. તે સમયે ત્યાં હાજર લોકોએ તેને પાટાથી દૂર રહેવા પણ કહ્યું હતું.