પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ
રાજ્યભરમાં હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા પ્રગટાવાઈ રહી છે. ત્યારે ગાંધીનગર નજીક પાલજ ગામે આશરે ૭૦૦ વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ છે. મહાકાળી માતાના પૂજન સાથે ૩૫ ફૂટ જેટલી ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું છે. જેના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે.
હોળીના પર્વ પર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે હોળી ‘વિષ્ટી‘માં પ્રગટાવવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહ્યો છે, જે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ સંકેત ગણાય છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે ઘણું સારું રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તેમણે એક ખાસ અવલોકન નોંધ્યું છે કે હોળીનો ધુમાડો સીધો ઉપર જતો નથી તે સારૂ છે. આ વર્ષે પાછોતરા વરસાદનું જાેર પણ વધુ રહેવાની શક્યતા છે.
વૈશ્વિક ફલક પર વાત કરતા તેમણે જણાવ્યું કે, માર્ચ માસના ગ્રહો અને ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં, ખાસ કરીને નાટો દેશોમાં તણાવ વધી શકે છે. દરિયાઈ ટાપુઓ રશિયા, ઓસ્ટ્રેલિયા પર આ ગ્રહોની સીધી અસર જાેવા મળી શકે છે. અફઘાનિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ સરહદો પર વિશેષ તકેદારી રાખવી પડશે. જાેકે, આ તમામ ઉથલપાથલ વચ્ચે ભારતીય રાજકારણમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

