Gujarat

‘ગુજરાત કોલેજ બની ગઈ છે અસામાજિક તત્વોનો અડ્ડો!!

ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે, આવું અમે નહીં પણ કોલેજના પ્રિન્સિપાલ જ કહી રહ્યા છે. ગુજરાત કોલેજમાં ત્રણ-ત્રણ પ્રિન્સિપાલ દ્વારા પોલીસ સ્ટેશનમાં અનેક વખત અરજી કરવામાં આવી છતાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પ્રિન્સિપાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજમાં પોલિટિકલ પાર્ટીના લોકોએ ખોટી રીતે સોગંદનામું રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. ખોટું સોગંદનામું રજૂ કરીને પોલિટિકલ પાર્ટીના લોકોએ ગુજરાત કોલેજમાં અડ્ડો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજની વિદ્યાર્થિનીઓ પર ખરાબ કોમેન્ટ કરતા હોવાનો પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલાં ગુજરાત કોલેજમાં દારૂની ખાલી બોટલ મળી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. દારૂની ખાલી બોટલ મળવા મુદ્દે દિવ્ય ભાસ્કરે જ્યારે પ્રિન્સિપાલ મનોજ પટેલ સાથે વાત કરી તો તેમણે ચોંકાવનારા ખુલાસા ર્ક્યા છે. દારૂની બોટલ તો દૂરની વાત છે, પરંતુ વર્ષોથી ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાનો પ્રિન્સિપાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત કોલેજમાં પોલિટિકલ પાર્ટીના લોકોએ અડ્ડો બનાવી દીધો છે. પોલિટિકલ પાર્ટીની નંબર પ્લેટ લખેલી ગાડી લઈને આંતક મચાવી રહ્યા છે.

લીમડા નીચે ખરાબ અવસ્થામાં બેસીને અસમાજિક તત્વો આંતક મચાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં અસમાજિક તત્વો ગુજરાત કોલેજને અડ્ડો તો બનાવી દીધો છે. સાથે સાથે જે પણ વિદ્યાર્થિનીઓ ત્યાંથી પસાર થતી હોય તો તેમના પર ખરાબ કોમેન્ટ કરતા હોવાનો પણ પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જ્યારે અધ્યાપિકાઓ ત્યાંથી પસાર થાય તો તેમને પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડે છે. વિદ્યાર્થિનીઓની અનેક વખત રજૂઆત બાદ પણ આચાર્ય અસામાજિક તત્વોનો અડ્ડો દૂર કરવા માટે કઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી.

ગુજરાત કોલેજમાં ત્રણ અલગ અલગ વિભાગ છે. તમામ વિભાગના અલગ અલગ પ્રિન્સિપાલ પણ છે. ત્રણેય પ્રિન્સિપાલ દ્વારા અનેક વખત પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ માત્ર બે દિવસ પોલીસ આવી અને તે સમયે અસામાજિક તત્વો ગાયબ થઈ ગયા હતા. તે બાદ ફરી અસામાજિક તત્વોએ ગુજરાત કોલેજને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. તે બાદ પણ અનેક વખત રજૂઆત કરી છતાં પોલીસે અસમાજિક તત્વોનો અડ્ડો બંધ કરાવવા કોઈ કાર્યવાહી કરી નથી. કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થામાંથી અસામાજિક તત્વોનો અડ્ડો દૂર થાય તેવી પ્રિન્સિપાલ માગ કરી રહ્યા છે.