માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજી અને રુકમણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. “માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી અને વર દુલ્હો ભગવાન” પંક્તિઓ સાથે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રુકમણી મંદિરના મહંત શ્રી સુધીરભાઈ નિમાવતે આ વર્ષના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
આ પરંપરાગત ઉત્સવમાં, માધવરાયજીના મંદિરેથી ભગવાન ચોરી મંડપે પધારે છે, જ્યાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન રુકમણીજીના સાનિધ્યમાં બિરાજમાન થાય છે. જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં વિધિવત રીતે ૨૫ વાનાના લગ્ન લખવામાં આવે છે. ચૈત્ર સુદ નોમથી મેળાનો વિધિવત પ્રારંભ થાય છે અને મંદિર પર ધજા ચડાવવામાં આવે છે, જે ઉત્સવના પ્રારંભનું સૂચન કરે છે.

નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી ભગવાનના ભવ્ય ભુલેકા કાઢવામાં આવે છે. બારસના દિવસે ગોધુલી સમયે ભગવાનની જાન મધુવનમાં પ્રવેશ કરે છે, જે લગ્ન સમારોહનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

લગ્ન વિધિ દરમિયાન, મંત્રોચ્ચાર સાથે મંડપમાં “કન્યા પધરાવો સાવધાન”ના નાદ સાથે રુકમણીજીને પાલખીમાં બિરાજમાન કરી મંડપમાં લાવવામાં આવે છે. અહીં ભગવાન માધવરાયજી અને રુકમણીજી શાસ્ત્રોક્ત વિધિ મુજબ સપ્તપદીના સાત ફેરા ફરે છે. આ ભવ્ય લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર માધવપુર હાલ ભક્તિમય માહોલમાં ગરકાવ થયેલું છે, જ્યાં પરંપરા અને શ્રદ્ધાનો સંગમ જોવા મળે છે.

