અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી ‘સરદાર એકતા યાત્રા’નો અમદાવાદથી મંગલ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ‘જય સરદાર, સબકે સરદાર!’ના નારાથી ગુંજી ઊઠ્યું હતું. આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ સરદાર સાહેબના અટલ રાષ્ટ્રપ્રેમ અને અખંડિતતાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનું એક મહા-અભિયાન છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન જાળવ્યું છે. વર્ષ 2014થી સરદાર સાહેબની જન્મજયંતીને સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાની જે પરંપરા તેમણે શરૂ કરાવી છે, તેણે દેશવાસીઓમાં એકતાની નવી ચેતના જગાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરીને નરેન્દ્ર મોદીએ લોહપુરુષને સાચી અને શ્રેષ્ઠ અંજલિ આપી છે. આજે આ વિરાટ પ્રતિમા સમગ્ર વિશ્વમાં ભારતની અખંડિતતાના પ્રતીક તરીકે ઊભી છે.

આ વર્ષ સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ છે, જે વડાપ્રધાનની પ્રેરણાથી દેશભરમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે યાદ અપાવ્યું હતું કે, આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે વલ્લભભાઈ પટેલે અશક્ય જણાતા કાર્યને શક્ય કરી બતાવ્યું હતું. તેમણે 565 દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું સ્વરૂપ આપ્યું હતું. આજે વડાપ્રધાન પણ એ જ મૂલ્યો સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ છે.

રાષ્ટ્રહિત સર્વોપરીનો મંત્ર મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરદાર સાહેબના જીવનનો મુખ્ય મંત્ર ‘નેશન ફર્સ્ટ’ એટલે કે રાષ્ટ્ર પ્રથમ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ પણ એ જ છે કે દરેક ભારતીયના મનમાં દેશપ્રેમની ભાવના ઉજાગર થાય. આ એકતા યાત્રા યુવા પેઢીમાં સરદાર સાહેબનું સમર્પણ અને દેશ પ્રત્યેની નિષ્ઠા જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

