Gujarat

દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખી પરિવારના ૫ સભ્યો પર પિયરીયાનો હુમલો

ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવત રાખીને ગઈકાલે રાત્રિના સમયે એક જ પરિવારના ૧૧ જેટલા સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીની સાસરીમાં જઈ તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ વર્ષ પહેલા થયેલા પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરાયો

ગાંધીનગરના મોટી આદરજ ગામમાં રહેતા વિરમજી કાકુજી ઠાકોરે નોંધાવેલી વિગતો મુજબ, તેમના મોટા દીકરા પરબતજીએ ત્રણ વર્ષ પહેલાં તેમના જ કુટુંબી ભાઈ મોબતજી કલાજી ઠાકોરની દીકરી અંજના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી કલોલ ખાતે રહેતું હતું.પરંતુ પાંચ દિવસ પહેલાં દીકરાની બાધા પૂરી કરવા માટે તેઓ વતન મોટી આદરજ આવ્યા હતા.

આ વાતની જાણ થતા જ ઉશ્કેરાયેલા સાસરી પક્ષના લોકોએ રાત્રિના સમયે હુમલો કરી દીધો હતો. જ્યારે પરિવાર જમીને બેઠો હતો ત્યારે મોબતજી ઠાકોર અને તેમના સાથીદારો હાથમાં તલવાર, લાકડીઓ અને ધોકા લઈને વિરમજીના ઘરે પહોંચ્યા હતા. બાદમાં હુમલાખોરોએ અમારી દીકરી અંજનાને બહાર કાઢો, આજે તો તમને જાનથી મારી નાખવા છે તેવી ધમકીઓ આપી ગાળાગાળી શરૂ કરી હતી. જેના પગલે પરિવારે અંજનાને બચાવવા માટે રૂમમાં પૂરી દીધી હતી, પરંતુ હુમલાખોરોએ વિરમજી અને તેમના પત્ની, દીકરા અને વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ઓસરીમાં ખેંચી લાવી ઘાતકી હુમલો કર્યો હતો.

એક જ પરિવારના પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, એક ગંભીર

આ હુમલામાં મોબતજીએ તલવારના ઘા ઝીંકતા વિરમજીના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમના દીકરા પરબતજીને માથામાં તલવાર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. તો ૮૦ વર્ષીય કાકુજી ઠાકોરને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આટલેથી નહીં અટકેલા હુમલાખોરોએ અલ્ટો ગાડીના કાચ તોડી પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી કલાજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સહિત કુલ ૧૧ વ્યક્તિઓ વિરુદ્ધ પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે.