અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી છે અને કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના નાગરિકોને ઊર્જા મંત્રીએ હૈયાધારણા આપી છે.
પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો: ઋષિકેશ પટેલ
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝ (ઘરેલું ઉપયોગ) માં વપરાતો ગેસ, કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતોવખતની ગાઇડલાઇન સાથે કોઈપણ પ્રકારની અફરાતફરી ના સર્જાય અને કોઈપણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ના સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કમાં છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસિસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર ૫૦% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે ૪૦% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર છે એમાં ક્યાંય કોઈપણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
અગાઉ કેન્દ્ર સરકારે ઘરેલું ન્ઁય્ સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજાે સિલિન્ડર ૨૧ દિવસને બદલે ૨૫ દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને ૪ દિવસ માટે વધારી દીધો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ ને આ માહિતી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જાેવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને ૨૫ દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.
૩ દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર ૬૦ રૂપિયા મોંઘું કરી દીધું છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામનું ન્ઁય્ ગેસ સિલિન્ડર હવે ૯૧૩ રૂપિયામાં મળી રહ્યું છે. પહેલા આ ભાવ ૮૫૩ રૂપિયા હતો. બીજી તરફ, ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે ૧૮૮૩ રૂપિયામાં મળી રહ્યું છે. વધેલા ભાવ ૭ માર્ચથી લાગુ થઈ ગયા છે. આ પહેલા સરકારે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે આ વધારો લગભગ એક વર્ષ બાદ કરવામાં આવ્યો છે. તો ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૧ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ગેસના ભાવમાં આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

