Gujarat

કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને ૫ વર્ષની કેદ

સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આરોપીએ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો

આ કેસની વિગતો મુજબ, મૂળ ધોળકાના સાથળ ગામના અને હાલમાં ધોળકાની રાજધાની સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલે ફરિયાદી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત ૧૫ જુલાઈ ૨૦૨૩ના રોજ આરોપી યુવતીને અમદાવાદની રાધાનંદ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ તાબે થવાની ના પાડતા અશ્લીલ ફોટા વાઈરલ કર્યા

આ ઘટના બાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અવારનવાર ફોન કરી ગાળો ભાંડી હતી અને યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. બાદમાં આરોપીએ વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન યુવતીના ર્નિવસ્ત્ર ફોટા મંગાવ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વીડિયો તથા સ્ક્રીનશોટ બનાવી લીધા હતા. જ્યારે યુવતીએ તાબે થવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ આ અશ્લીલ સામગ્રી તેના સગા-સંબંધીઓમાં વાઇરલ કરી દીધી હતી. આ મામલે કલોલ શહેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી

આ કેસ કલોલની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ જે.એચ.જાેષીની ધારદાર રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીને ઈપીકો કલમ ૩૭૬ ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો, પરંતુ આઈટી એક્ટ-૨૦૦૦ની કલમ-૬૭(એ) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.