Gujarat

યુવાઓને તક ને વૃદ્ધોની હકાલપટ્ટી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો ર્નિણય લીધો છે. પાર્ટી આગામી ચૂંટણીમાં યુવા ચહેરાઓને વધુ તક આપવા તરફ આગળ વધી રહી છે.

૬૦ વર્ષથી વધુ વયના નેતાઓની ટિકિટ પર સંકટ

ભાજપના સૂત્રો મુજબ, ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ આપવાનો મુદ્દો ફરી વિચારવામાં આવશે અને ૬૦ વર્ષથી વધુ વયના નેતાઓને પણ ટિકિટ મળવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. આ ર્નિણય અમલમાં આવે તો અનેક અનુભવી કોર્પોરેટરોની રાજકીય ઇનિંગ્સ પર વિરામ લાગી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ એવા લગભગ ૩૨ કોર્પોરેટરો છે, જેઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાઈ રહ્યા છે અથવા ૬૦ વર્ષથી વધુ વયના છે, જેથી તેમની ટિકિટ પર સંકટ ઊભું થઈ શકે છે.

નવા ચહેરાઓને તક મળવાની શક્યતા

અમદાવાદમાં નારણપુરા, રાણીપ, સરદારનગર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, શાહીબાગ, બાપુનગર અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં એવા ઘણા કાઉન્સિલરો છે જે ત્રણ ટર્મથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. જાે ભાજપ આ માપદંડ કડક રીતે લાગુ કરે તો આ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે.

પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતા

બીજી તરફ કોંગ્રેસ પણ યુવાનો પર દાવ લગાવવાની તૈયારીમાં છે. પક્ષ દ્વારા સંગઠન અને કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ઉમેદવારી આપવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ કોઈ આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતા પણ ચર્ચામાં છે.

શહેરની રાજનીતિમાં મોટા ફેરફાર જાેવા મળી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી માટે દોડધામ તેજ થઈ છે. જાે ભાજપ યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો ર્નિણય અમલમાં મૂકે તો આ ચૂંટણીમાં અનેક નવા ચહેરા જાેવા મળી શકે છે અને શહેરની રાજનીતિમાં મોટો ફેરફાર પણ જાેવા મળી શકે છે.