Gujarat

ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી,

મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જાેતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે.

કટોસણમાં ૬ માર્ચે લોકડાયરો યોજાયો હતો

કટોસણ ગામમાં ૬ માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગામ લોકો દ્વારા સાંથલ PI એમ.એમ.વરચંદને આમંત્રણ અપાતા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જાે કે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને ૯ તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

મામલો વધુ ગંભીર જણાતા વધુ તપાસ કરી રહ્યા છીએ- SP

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ભાસ્કરને જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ કટોસણ ગામે કાર્યક્રમ હતો.આ કાર્યક્રમ દરમિયાન સાંથલ પોલીસ મથકના પી.આઈ ત્યાં ઉપસ્થિત હતા. એ દરમિયાન સ્ટેજ પર બુટલેગરે દ્વારા તેમના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.વીડિયો વાઇરલ થયા બાદ અમારી પાસે આવતા અમે પરમ દિવસે પી.આઈ ને સસ્પેન્ડ કર્યા છે.મામલો ગંભીર જણાઈ આવતા અમે આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ.