Gujarat

ધાંગધ્રા મેળામાં કમલેશ મિસ્ત્રીનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં કમલેશ ઉર્ફે શંભુભાઈ મિસ્ત્રીનું સ્ટોલ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મેળામાં સ્થાનિક કલાકારો અને કારીગરોને પોતાની કળા પ્રદર્શિત કરવાનો સુંદર અવસર મળ્યો છે.

કમલેશ મિસ્ત્રી વેસ્ટ સામગ્રીમાંથી નવીન અને ઉપયોગી વસ્તુઓ બનાવવાની અનોખી કળા ધરાવે છે. ખાસ કરીને, તેઓ નાળિયેરની કાચલીમાંથી વિવિધ સજાવટી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ બનાવે છે, જે મેળામાં આવેલા લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતી નાળિયેરની કાચલીને તેઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા સુંદર કલાત્મક વસ્તુઓમાં પરિવર્તિત કરે છે. આ ઉપરાંત, કમલેશ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની કલાત્મક કૃતિઓ, રમકડાં અને ડેકોરેટિવ વસ્તુઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.