રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે ડીસા ખાતે અંદાજે રૂ. ૮.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક બસપોર્ટનું ખાતમુહૂર્ત
રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો જેમાં, બનાસકાંઠાના ડીસામાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે ડીસા ખાતે અંદાજે રૂ. ૮.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક બસપોર્ટનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું છે. આ નવું બસપોર્ટ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો મુસાફરો માટે પરિવહન સેવાને વધુ આરામદાયક બનાવશે.
આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ એક ખાસ સંયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બરાબર ૨૧ વર્ષ અગાઉ તેમના પિતાએ જ આ સ્થળે જૂના બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. હવે ૨૧ વર્ષના સમયગાળા બાદ, તે જ જગ્યાએ જૂના બસ સ્ટેશનનું નવીનીકરણ કરીને તેને હાઈટેક ‘બસપોર્ટ‘ તરીકે વિકસાવવાની તક તેમને મળી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્વચ્છતાના અભિગમ સાથે ગુજરાતમાં પ્રથમવાર થૂંકદાની મુકવાની શરૂઆત પણ આ ડીસા બસપોર્ટથી જ કરવામાં આવશે, જે જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થશે.
ખાતમુહૂર્તની વિધિ પૂર્ણ કર્યા બાદ મંત્રીએ પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. તેઓ સામાન્ય મુસાફરોની જેમ એસ.ટી. બસમાં બેસીને ડીસાથી પાલનપુર જવા રવાના થયા હતા. પાલનપુર પહોંચીને તેમણે ત્યાં એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ પણ કર્યું હતું. આ આધુનિક બસપોર્ટ તૈયાર થવાથી ડીસા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો જાેવા મળશે અને મુસાફરોને બસ સ્ટેશન પર જ એરપોર્ટ જેવી આધુનિક સવલતો પ્રાપ્ત થશે.

