Gujarat

લાલપુરના અપીયા ગામે કરા સાથે વરસાદ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે સાંજે લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગામોમાં આકાશ એકાએક વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.

ખાસ કરીને અપીયા ગામે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અણધાર્યા કુદરતી ઘટનાક્રમથી ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જોકે, ભર ઉનાળે કરા સાથેના આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેમ છતાં, અણધાર્યા વરસાદે સ્થાનિકો અને વહીવટી તંત્રને પણ સાવચેત કરી દીધા છે.