પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે મારામારી અને લૂંટના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આજે ઘટનાસ્થળે પકડાયેલા આરોપીઓ સાથે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી વિજય બાપોદરા હજુ પોલીસ પકડથી દૂર છે.
આ ઘટના ગત તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૬ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ફરિયાદી રામદે દેવશી પરમાર (રહે. બોખીરા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તે રાત્રે આશરે ૧૨ વાગ્યે તેમના મિત્ર મહેશ ઓડેદરાના ફોન પર વિજય બાપોદરાનો ફોન આવ્યો હતો અને તેમને સની આઈના મંદિર પાસે બોલાવ્યા હતા.

ફરિયાદી અને તેમના મિત્રો ત્યાં પહોંચતા, આરોપી વિજય સરમણભાઈ બાપોદરા અને તેના સાથીઓએ ફોર વ્હીલર કાર (નંબર GJ-18-BL-9222) વચ્ચે ઉભી રાખી રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રો મહેશ, સુનીલ અને મેહુલ સાથે ઉગ્ર બોલાચાલી કરી જાહેરમાં ગાળો આપી હતી.
આરોપી વિજય બાપોદરાએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તેમનું માથું કારના બોનેટ પર પછાડ્યું હતું. જ્યારે ફરિયાદી પોલીસને ફોન કરવા ગયા, ત્યારે તેમનો આઈફોન છીનવીને રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો, જેનાથી આશરે રૂ. ૫૦૦૦/-નું નુકસાન થયું હતું. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

