ભાવનગર શહેરના અડોડિયા વિસ્તારમાં બે દિવસ પૂર્વે ક્રિકેટ રમવા બાબતે સર્જાયેલી જુથ અથડામણ સંદર્ભે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને પક્ષોએ મળી કુલ 22 શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તમામ શખસોને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
બોલાચાલી બાદ બન્ને પક્ષે સામસામે પથ્થરમારો આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર બે દિવસ પૂર્વે સાંજના સમયે ભાવનગર શહેરના તિલકનગરના આડોડીયા વિસ્તારમાં રોડ પર ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું, બોલાચાલી બાદ બન્ને પક્ષે સામસામે પથ્થરમારો થતા 3 મહિલાઓને ઇજાઓ પહોંચી હતી, આ ઉપરાંત મકાનમાં અને રિક્ષામાં પણ તોડફોડ કરાઈ હતી.

22 શખસોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા બનાવ અંગે બંને જૂથ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ અને પુરુષો મળી 22 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ ગણતરીના દિવસોમાં ઘોઘારોડ પોલીસે આ બનાવના તમામ 22 શખસોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

