રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો હવે અન્ય રાજ્યમાંથી દારૂ જાતે લેવા જવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને દારૂ મંગાવી રહ્યા છે. સરદારનગર પોલીસે માલસામાન હેરફેર કરતી કંપની પોર્ટર મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી કપડાના માલનું બિલ બનાવીને ટ્રાન્સપોર્ટમાં માલ નારોલ ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાંથી પોર્ટર મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂ મંગાવ્યો હતો. પોલીસે પોર્ટરમાં લઈ જવાતા વાહનમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દારૂને પોર્ટર કરાવ્યો અમદાવાદનું સરદારનગર વિદેશી અને દેશી દારૂનું હબ ગણવામાં આવે છે જ્યાં સૌથી વધારે દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે હવે બુટલેગરો પોતાનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફતે કોઈ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મંગાવે છે અને ત્યાંથી માલ સામાન હેરફેર કરતા વાહનોમાં મંગાવી લે છે જેના કારણે પોલીસના ધ્યાન ઉપર જલ્દી આવતું નથી. જોકે સરદારનગર પોલીસે પોર્ટર મારફતે મંગાવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પીઆઇ એસ.એ ગોહિલને બાતમી મળી હતી કે પોર્ટર મારફતે ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો કુબેરનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે બાતમીવાળા ટેમ્પોને મહાવીર કસરત શાળા પાસે રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવરનું નામ પૂછતા તેનું નામ ભગવતીપ્રસાદ ભાવસાર હોવાનું જણાવ્યું હતું અને પોતે પોર્ટરમાં ટેમ્પો ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
ટેમ્પોમાં 20 બોક્સ મળ્યા પોલીસે ટેમ્પો ખોલીને જોતા તેમાં પાંચ જેટલા મોટા પાર્સલ મળી આવ્યા હતા. 20 જેટલા બોક્સ મળી આવ્યા હતા. જે તમામ બોક્સ ખોલીને જોતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો હોવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેમ્પો છેલ્લા ત્રણ વર્ષથી પોર્ટરમા ચલાવે છે. પોતે ટેમ્પો લઇ પોર્ટરના કામથી નીકળેલ હતા. નારોલ ગામમાં ટેમ્પો લઇ જતા હતા તે દરમિયાન પોર્ટર એપ્લીકેશન ઉપર એક ઓર્ડર દેવડીવાલા કંમ્પાઉન્ડ નારોલ ગામ ખાતેથી પાર્સલ લઇ સી વોર્ડ કુબેરનગરના ઓર્ડરને એપ્લીકેશનમાં એકસેપ્ટ કર્યો હતો.

