Gujarat

ગરમીનો પારો ચડતા ‘ઝૂ’ના વન્યજીવો માટે ખાસ વ્યવસ્થા:

રાજકોટમાં ઉનાળો શરૂ થતાં મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે પ્રાણીઓ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દિપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. પ્રાણીને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે પ્રાણીઓનાં શરીરમાં ગરમીની અસર ઓછી થાય તે માટે ORS આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શાકાહારી, માંસાહારી પ્રાણીઓ માટે આઇસ કેન્ડી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાને લઈ કેટલાક પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો છે.

પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા પ્રાપ્ત વિગત મુજબ, પ્રદ્યુમ્નપાર્ક ઝુ ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓના કુલ 595 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. વિવિધ ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને આ તમામ પ્રાણીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન સખત તાપ અને ગરમીમાં પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝૂ ખાતે સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના તળાવ બનાવાયા છે. જેથી આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પાણીમાં બેસી ગરમીથી રાહત મેળવે છે. આ ઉપરાંત પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા મુકાયા છે. તો તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસીને આ પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.

નાના કદના પ્રાણીઓના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવાઈ ઉપરાંત ઉનાળામાં બપોરે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. અને રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે.