ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન પાણી વિતરણ અને ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં કાપ સાથે અથવા એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું, તે એકપણ પાણી કાપ વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ પણ તેમાં સુધારો કરી 365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણ કરવાનો માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં અમુક વિસ્તારોની ફરિયાદોને બાદ કરતાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ટેકનોલોજી સાથે સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા ઈ.એસ.આર. અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે.
તદુપરાંત વર્ષો જૂના પાણીના નેટવર્ક પણ બદલાવી નવા ઉભા કરવામાં આવી રહ્યા છે. નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીના નેટવર્ક અને કનેક્શનનું કામ ઘણું પ્રગતિમાં છે.

