જામનગરની એસવીએમ શાળામાં ફી વધારા અને અન્ય ગેરરીતિઓ સામે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
NSUIના જણાવ્યા અનુસાર, શાળા દ્વારા નર્સરીથી ધોરણ 10 સુધીમાં સરેરાશ 35 થી 45 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા માટે કોઈ યોગ્ય કારણો કે પારદર્શિતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે.

આ ઉપરાંત, શાળા પર ફી અલગ-અલગ શીર્ષક હેઠળ વસૂલવાનો આક્ષેપ છે. કાયદેસર ફી ઉપરાંત ‘દાન’ તરીકે પણ રકમ લેવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે નાણાકીય પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કરે છે.
કેમ્બ્રિજ પાઠ્યક્રમ અંગે પણ શાળા પર ભ્રામક માહિતી આપવાનો આક્ષેપ છે. NSUI એ જણાવ્યું કે શાળા સંપૂર્ણ કેમ્બ્રિજ પદ્ધતિનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં માત્ર એક જ પુસ્તક કેમ્બ્રિજનું છે અને બાકીના પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના છે. દિવસીય શાળા પદ્ધતિ ફરજિયાત બનાવવા અને કેમ્બ્રિજ કેન્દ્ર માટે અનુભવી શિક્ષકોની અછત મુદ્દે પણ વાલીઓમાં નારાજગી છે.

NSUI એ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક ડૉ. હેમાંગ પારેખ દ્વારા વાલીઓને છોડપત્ર (LC) લઈ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

