Gujarat

ગીરમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન

ગીર સોમનાથ જિલ્લા સહિત તાલાલા પંથકમાં રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. આ માવઠાએ જગતના તાતની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરી અને શિયાળુ-ઉનાળું પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગ અને છેલ્લા ત્રણ વર્ષથી સતત સીઝન સમયે આવતાં કમોસમી વરસાદે કેસર કેરીના ગણિત બગાડી નાખ્યા છે. તાલાલા માર્કેટયાર્ડના આંકડાઓ જ ગીરના બાગાયતદારોની વ્યથાની સાક્ષી પૂરે છે

ગઈકાલે રાત્રે ફૂંકાયેલા તેજ પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદને કારણે આંબાના ઝાડ હચમચી ગયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેરી અત્યારે નાની અવસ્થામાં (ખાખડી) હતી, જે પવનના કારણે મોટા પ્રમાણમાં ખરી પડી છે. લાખોના ખર્ચે ઉછેરેલા આંબા હવે ઉત્પાદન આપવાને બદલે ખેડૂતોને દેવાદાર બનાવી રહ્યા છે.