Gujarat

રિબેટ મેળવવા કરદાતાઓનો ભારે ઉત્સાહ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેના એપ્રિલ મહિનામાં રિબેટ યોજનાની શરૂઆત થાય છે જેમાં કરદાતાઓએ બે દિવસમાં ભારે ઉત્સાહ દાખવતા મનપાની આવકમાં વધારો થયો હતો અને બે દિવસમાં 6 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી.

મનપાના ઘરવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે ​એક જ દિવસની આવકમાં 4930 કરદાતાઓએ ઓનલાઈન અને ઓફલાઇન પોતાનો ઘરવેરો ભરપાઈ કર્યો હતો. જેનાથી મનપાને એક જ દિવસમાં 2.55 કરોડ રૂપિયાની આવક થઈ છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆતના બે દિવસમાં કુલ આવકનો આંકડો 6.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

​ઓનલાઇન પેમેન્ટનો ક્રેઝ વધારે બે દિવસ દરમ્યાન કુલ 11,751 કરદાતાઓએ વેરો ભર્યો છે, જેમાંથી 8227 કરદાતાઓએ ઓનલાઇનથી કારવેરો ભરપાઈ કર્યો હતો, જ્યારે 3524 કરદાતાઓએ ઓફલાઇન વેરો ભર્યો હતો, ​મનપા દ્વારા એપ્રિલ માસમાં વેરો ભરનાર નાગરિકો માટે દર વર્ષે રિબેટ જાહેર કરવામાં આવે છે, જેમાં એપ્રિલ માસમાં ઘરવેરો અને સફાઈ વેરો ભરનાર તમામ કરદાતાઓને 10 ટકા રિબેટ તથા જો વેરો ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા ભરવામાં આવે, તો વધારાનું 2 ટકા રિબેટ મળશે. આમ, કરદાતાઓ કુલ 12 ટકા સુધીની બચત કરી શકે છે.