સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લીંબાયત વિસ્તારમાં એક દેશી દારૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ સાથે ‘જનતા રેડ’ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અહીં માસૂમ બાળકો પાસે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
વોર્ડ નં. 26માં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ લીંબાયત વિસ્તારમાં આવેલા દત્તાત્રેય નગર (વોર્ડ નંબર 26)માં લાંબા સમયથી દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની ફરિયાદ ઉઠી હતી. ‘આપ’ના કાર્યકરોએ સ્થળ પર જઈને જોયું તો ટેબલ પર દેશી દારૂની પોટલીઓ ભરેલો થેલો પડ્યો હતો. આ દૃશ્યો ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર સુરતમાં વાઇરલ થયા છે, જેનાથી પોલીસ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, દારૂ વેચનારા કોઈ બુટલેગર નહીં પણ નાની ઉંમરના બાળકો છે. જ્યારે કાર્યકરે પૂછ્યું કે ‘આ કોનો અડ્ડો છે?’ ત્યારે બાળકે ડર્યા વગર ‘વિશાલભાઈ’નું નામ આપ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બુટલેગરો હવે પોલીસથી બચવા માટે માસૂમ બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

