National

ગ્રીન કોરિડોરનુ ૧૪ એપ્રિલે વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન

પહાડોની વચ્ચે વળાંક લેતો એક સિંગલ લેન રોડપ સામે અચાનક હાથીઓનું ટોળું, પાછળ લાંબો જામ. ક્યારેક ઉછળતી નદી તો ક્યારેક શિવાલિક પહાડીઓ પરથી પડતો કાટમાળ. પહેલાં આવો હતો દિલ્હીથી દેહરાદૂન રોડ પર આવતો મોહંડ બેલ્ટ. ૨૧૦ કિમી લાંબા અને ત્રણ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ-વેનો ૨૦ કિમીનો ભાગ રાજાજી ટાઈગર રિઝર્વમાં આવે છે. આ ભાગ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

હું એ જ મોહંડ ઘાટી ઉપર બનેલા એલિવેટેડ કોરિડોર પર છું. ગાડી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બ્રેક વગર, જામ વગર દોડી રહી છે અને નીચે હાથીઓનું ટોળું પસાર થઈ રહ્યું છે. ૨૦ કિમી લાંબા ભાગમાં એલિવેટેડ ભાગ ૧૨ કિમીનો છે. આ ગ્રીન કોરિડોર પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બનવા જઈ રહ્યો છે. એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન ૧૪ એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી કરશે.

મોહંડ ઘાટી જે વરસાદી નદીથી ઘેરાઈ જતી હતી, તે હવે દેખાતી નથી, કારણ કે તેને આ એલિવેટેડ રોડની નીચેથી કાઢવામાં આવી છે. રોડને ૩૫-૪૦ ફૂટ ઉપર, ૪૦૦ થી વધુ પિલર્સ પર ઊભો કરવામાં આવ્યો છે, જેથી નદીનો પ્રવાહ, પ્રાણીઓના ટોળા અને વિકાસ ત્રણેય અવરોધ વિના ચાલતા રહે.

રાજાજી ટાઇગર રિઝર્વના ડિરેક્ટર કોકો રોસે કહે છે કે ૧૪ હજાર કરોડ રૂપિયામાં બનેલા એક્સપ્રેસ-વેનો ૧૨ કિમીનો ભાગ એશિયાનો સૌથી લાંબો વાઇલ્ડલાઇફ એલિવેટેડ કોરિડોર છે. તસવીરો એ વાતનો સંકેત છે કે પ્રાણીઓ તેની નીચેથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. ઉપરથી ભારે વાહનો ૮૦ની સ્પીડમાં ડાબી બાજુ અને હળવા વાહનો ૧૦૦ની સ્પીડ પર જમણી બાજુ ચાલશે.

પે-પર-યુઝ ટોલ સિસ્ટમ – ટોલ પરંપરાગત નાકાઓવાળો નહીં, પરંતુ ક્લોઝ્ડ ટોલિંગ સિસ્ટમ હશે. એન્ટ્રી-એક્ઝિટના આધારે અંતર મુજબ શુલ્ક કપાશે. ફાસ્ટેગથી રોકાયા વિના ચુકવણી, ટ્રાફિક જામની સમસ્યા નહીં. સહારનપુરના કુમ્હારહેડામાં એક ટોલ પ્લાઝા પહેલેથી સક્રિય છે, બાકીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર ટોલ ગેટ્સ.

આ એક્સપ્રેસવેથી શું બદલાશે?

મુસાફરી ઝડપી, ખર્ચ ઓછો – ૬-૭ કલાકની મુસાફરી હવે ૨.૫-૩ કલાકમાં, અંતર ૨૬૦ કિમીથી ૨૧૦ કિમી થશે.

સુરક્ષા બહેતર- ૨૦ કિમી જાેખમી પહાડી રસ્તો હવે ૧૨ કિમી એલિવેટેડ, અકસ્માતનું જાેખમ ઓછું.

પ્રદૂષણ ઘટશે- વાર્ષિક ૯૩ લાખ કિલો કાર્બન ઉત્સર્જન ઘટશે.

પર્યટન, વેપારને વેગ- હરિદ્વાર-ઋષિકેશ-દેહરાદૂનની મુસાફરી સરળ, છુટમલપુર ઇન્ટરચેન્જથી લોજિસ્ટિક્સ ઝડપી. પર્યટન અને વેપારને પ્રોત્સાહન મળશે.

નાના શહેરોને ફાયદો- બાગપત, શામલી, સહારનપુર જેવા શહેરોમાં એક્સપ્રેસવે પર નવા ગ્રોથ હબ બનશે.