લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટિયા પાસે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 11 એપ્રિલ 2026 ના રોજ સવારે પાંચ વાગ્યા આસપાસ ઇકો કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી અથડામણમાં ખાનગી કંપનીના બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોની ઓળખ ગોવાણા ગામના રહેવાસી જગદીશ સામતભાઈ ગોજીયા (ઉંમર 25) અને મિલન લક્ષ્મણભાઈ બંધીયા (ઉંમર 22) તરીકે થઈ છે. આ બંને કર્મચારીઓ ઇકો કાર (નંબર GJ16BG-2520) માં કંપનીના કામ અર્થે એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયાને ગંભીર ઈજાઓ થતાં તેઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટના અંગે રાજશીભાઈ અરશીભાઈએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ લાલપુર પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

